top of page

નાગપંચમીનુ આધ્યાત્મિક રહસ્ય


પૃષ્ઠભૂમિ

આ દિવસે, આપણે લોકોને નાગના રાફડા પાસે જઈને પૂજા કરતાં તેમજ નિવેદ તરીકે દૂધ ધરતાં જોઈએ છીએ, જે તેમાં રહેનારા નાગ માટે ધરવામાં આવતું હોય છે. કેટલાંક લોકો મદારીઓને બોલાવીને એ બિચારાં નાગ ઉપર દૂધ રેડતાં હોય છે. શું ખરેખર આ રીતે નાગપંચમીની ઉજવણી કરવાની હોય છે? એ રાફડામાં રહેનારા નાગ પર દૂધ રેડવાનું આધ્યાત્મિક મહત્વ શું હશે?

“નાગર(નાગ) પંચમી”નું રહસ્ય

કોઈપણ વૈદિક ઉત્સવના આધ્યાત્મિક રહસ્યને જાણવામાં તેની સાથે સંકળાયેલ પ્રતીકો અને અંકશાસ્ત્ર મહત્વનો ભાગ ભજવે છે. ચાલો આપણે “નાગર” શબ્દ વિશે જોઈએ. સંસ્કૃત શબ્દોના વ્યુત્પતિશાસ્ત્રમાં તેની સુંદરતા છુપાયેલ હોય છે. આપણે એ શબ્દનું વિભાજન કરીને તે જે સંદર્ભમાં વપરાયેલ હોય તે રીતે તેના મૂળ અર્થને શોધી શકીએ છીએ. તમે આ શબ્દના વિભાજન માટે વાપરી શકો તેવી રીતોમાંથી એક રીતે તેને “ના” + “ગ” + “ર” તરીકે વિભાજિત કરી શકાય છે. “ગ” એટલે ગતિ જે આપણા અંતિમ લક્ષ્યાંક મોક્ષનો સંદર્ભ આપે છે. “ર” નો અર્થ રમ્યતે એટલે કે તે આનંદનો સંદર્ભ આપે છે. આનો અર્થ એ થયો કે મોક્ષ સુધીની યાત્રાને માણવાની છે. પરંતુ, તમે જ્યારે શરૂઆતમાં “ના” ઉમેરો છો, ત્યારે તમે એવો સારાંશ કાઢી શકો છો કે નાગર એટલે એવી જગ્યા કે જેમાં તમે મોક્ષ તરફની યાત્રામાં આનંદ મેળવી શકતાં નથી. આના દ્વારા એ સમજાય છે કે આપણા આ વ્યસ્ત શહેરી જીવનમાં જીવનનો આધ્યાત્મિક ભાગ શા માટે ઓછું મહત્વ ધરાવી રહેલ છે. મોટાભાગના લોકોને જ્યારે શહેરથી દૂરના સ્થળો પર લઈ જવામાં આવે ત્યારે નિરાંત, શાંતિનો અનુભવ કરે છે અને અધ્યાત્મમાં પોતાનો રસ વ્યક્ત કરતાં હોય છે. સૌ પ્રથમ તેઓ માનસિક સ્તરે શાંત છે અને પછી તેમની પાસે શ્રવણ (સાંભળવા/વાંચવા) અને પછી મનન (ચિંતન) કરવાની ઉચ્ચ તક મળી રહે છે.

નાગની ઊર્જા – આધ્યાત્મિક પ્રતિક

ચાલો આપણે એક શહેર તરફ દ્રષ્ટી કરીએ. વિશાળ માત્રામાં લોકો દરરોજ કડી મહેનત કરતાં હોય છે. આ લાખો લોકો મૂળભૂત રીતે એ શહેરને અલગ માર્ગ તરફ લઈ જાય છે. હવે, ચાલો આપણે એક નાગના દરને જોઈએ.


કેટલીયે કીડીઓ સાથે મળીને એક રાફડો બનાવવા માટે કડી મહેનત કરતી હોય છે. પરંતુ તે એક વખત બની ગયાં બાદ, એ રાફડામાં જઈને નાગ રહે છે! અહીં એક ખાસ અવલોકન કરવાનું છે. એક શહેરને બનાવવા લાખો લોકો મહેનત કરતાં હોય ત્યારે, પ્રશ્ન એ થાય છે કે આ શહેરમાં શું જાય છે અને શું રહે છે? આનો અર્થ એમ નથી કે નાગ જઈને શહેરમાં રહેવા લાગશે. અહીં પ્રતીકાત્મક ભૂમિકા આવે છે. વૈદિક પ્રણાલીમાં સર્પોને એક ખાસ પ્રકારની ઊર્જાના પ્રતીક માનવામાં આવે છે. તો એવી કઈ ઊર્જા છે જે શહેરમાં આવીને રહે છે? એ શોધી કાઢવા માટે, ચાલો આપણે એક સર્પને જોઈએ. તેમની જ્ઞાનેન્દ્રિયો પાસે કાન હોતા નથી. એટલે કે શ્રવણ(ધ્યાનથી સાંભળવું/વાંચવું – આધ્યાત્મિક માહિતીને પ્રાપ્ત કરવાની શક્તિ)નો અભાવ હોય છે, અને આધ્યાત્મિક માર્ગમાં શ્રવણને પ્રથમ પગલું ગણવામાં આવે છે. તેમની કર્મેન્દ્રિયોમાં, સર્પો પાસે પગ હોતાં નથી. આ કારણે તેમના માટે એક સ્થળેથી બીજા સ્થળ પર જવું કઠિન બનતું હોય છે. જે આંતરિક અધ્યાત્મિક યાત્રામાં કલન-ચલનના અભાવનું પ્રતીક છે.

સર્પો વાંકી-ચૂકી દિશામાં ચાલતા હોય છે. એક ક્ષણે તેમની ગતિ એક દિશા તરફ હશે તો બીજી ક્ષણે બીજી તરફ. આ સતત બદલતી એકાગ્રતા અને વિશુદ્ધિનું પ્રતીક છે. આની સાથે સર્પો થોડા-થોડા સમય પર પોતાના કરચલા છોડતા હોય છે. આપણે બધાં, એ શહેરોમાં રહેનારા લોકો આ વાતને આ પ્રમાણે સંબંધિત કરી શકીએ છીએ. આપણે દરરોજ અમુક ઇચ્છા સંતોષવા માટે કડી મહેનત કરતાં હોઈએ છીએ. એક વખત એ પૂર્ણ થયાં બાદ બીજી ઇચ્છા શરૂ થાય છે. તેથી આપણા સમગ્ર શહેરી જીવન દરમિયાન આ જરૂરિયાત અને ઇચ્છાઓ વધતી જાય છે. અમુક સમય બાદ, જ્યારે આપણે પાછું વળીને જોઈએ છીએ ત્યારે, આપણને અહેસાસ થાય છે કે આપણે સાવ મહત્વ વિનાની વસ્તુઓ માટે આપણો સમય બગાડેલ, અને પછી જે કંઈક મહત્વનું દેખાય તેની તરફની યાત્રા શરૂ થાય છે. જીવનના અંત પર જ્યારે આપણે આપણા જીવનનું અવલોકન કરીએ ત્યારે એ સમય બહુ ઝડપથી પસાર થઈ ગયો હશે. જીવનના સાચા હેતુ અંગેનો પ્રશ્ન આપણામાંના ઘણાં લોકોને સતાવતો હશે. સર્પો પોતાની ચામડી છોડતાં હોય અને વાંકા-ચૂકા ચાલતાં હોય તેની પાછળનું આ પ્રતીકાત્મક રૂપ છે. શહેરમાં જીવતાં ઘણા લોકો સર્પોની આ ઊર્જા તેમના પોતાના જીવનમાં એ ઊર્જાની હાજરી સાથે પોતાની જાતને સંબંધિત કરી શકે છે.


નાગ દેવતાને દૂધ શા માટે આપવું જોઈએ?

વૈદિક શાસ્ત્રો કહે છે કે આ બ્રહ્માંડમાં બધું જ ચોક્કસ દૈવી શક્તિ વડે સાર્વત્રિક ઈશ્વર દ્વારા નિયંત્રિત છે. બળોના અભિમાન પર નિયંત્રણ કરવા માટેની શક્તિ જેના દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે તેવી સર્પોની ઊર્જા એ નાગ દેવતા છે.


વેદોમાં, વેદની માતા તરીકે ગાયને પ્રતીક ગણવામાં આવે છે. ગાયનું દૂધ શુદ્ધ વૈદિક અધ્યાત્મ જ્ઞાનના પ્રતીક રૂપ છે. આ તહેવાર દરમિયાન લોકો તેમને પોતાને અસર કરતી સર્પોની ઊર્જાની તીવ્રતા ઓછી થવાના આશીર્વાદ મેળવવાની આશા સાથે ભક્તો વૈદિક જ્ઞાનના પ્રતીક રૂપ દૂધ ધરે છે.

લેખક: પ્રો. પી.આર.મુકુંદ અનુવાદ અને સંકલન: શ્રી લલિતકુમાર ડી. ગુજરાતી

Listen to Gujarati podcast on this article

https://soundcloud.com/jnyana/gujarati-nag-panchami


Comments


bottom of page